કેમેસ્ટ્રી કલાસ

કેમેસ્ટ્રી કલાસ


ભરી બપોર અને ઉનાળાની ઋતુ નો સમય હતો. આમારા 11 સાયન્સના બીજા સેમેસ્ટની પરીક્ષા હજી થોડા દિવસ પહેલા જ પતી હતી અને બારમું ધોરણ શરૂ થઈ ગયું હતું.હું પોતે વિહાર અને મારો મિત્ર સાગર આગ ફૂંકતા સૂરજની નીચે સાયકલ લઈને કેમેસ્ટ્રીના ટ્યૂશન જઈ રહ્યા હતા.આમારા કેમેસ્ટ્રીનું ટ્યુશન ત્રણ કલાક નું રહેતું. સૌથી પહેલા કલાકમાં કાલ ભણાવેલા માંથી જ એક નાનકળી પરીક્ષા આપવી પડતી જેને તેઓ એ ફોલોપ નું નામ આપ્યું હતું.બીજા કલાકમાં આમારા કેમેસ્ટ્રીના સર નવું ભણાવતા અને ત્રીજા કલાકમાં જે આજે ભણાવ્યું તેની ફરીથી પરીક્ષા આપવાની રહેતી. આમ આખો દિવસ કેમેસ્ટ્રીના ક્લાસમાં આ ટાઈમટેબલ ચાલ્યા કરતું કારણકે ટ્યુશનમાં કુલ ૯ બેચ હતી.તેથી હું જ્યારે ક્લાસમાં ફોલોપ આપવા બેસતો ત્યારે કોઈ બીજી બેચ વાળા લોકો તે દિવસે ભણાવેલું હોય તેની પરીક્ષા આપવા બેસતા.તો તે દિવસે એવું થયું કે તે થતાં પહેલા મને હમેશાંની જેમ નહોતી ખબર કે આજે કઇંક આવું બનશે.આમ આપણાં જીવનમાં પણ કેટલીક સુખદ કે દુખદ ઘટના બની ગયા પછી આપણને ખબર પડે છે કે આપણે એક વાર્તા જીવી ગયા છીએ. હું અને મારો મિત્ર ટ્યુશન પહોંચ્યા બાદ સીધા ફોલોપ આપવા બેસી ગયા અમે બંને ભણવામાં એવરેજ હતા ના બહુ હોશિયાર ના એકદમ નબળા દુનિયામાં ૭૦ ટકા બાળકો આ કેટેગરીમાં આવે છે.અમે બંને ફોલોપ આપવા હમેશાં છેલ્લીથી બીજી બેન્ચે બેસતા જેથી અમને ફોલોપમાં મદદ મળી રહેતી અને ક્યારેક અમારી પાસે પણ કોઈને મદદ કરવાનો મોકો હોય તો અમે પણ બે જીજક કરી દેતા. જો કે તેવો મોકો અમારે ઓછો આવતો.તે દિવસે હું અને મારો મિત્ર સાગર છેલ્લેથી બીજી બેન્ચ પર બેસીને પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે અચાનક મારી પાછળની બેન્ચ હલવા લાગી.મે અને મારા મિત્રએ પાછળ ફરીને જોયું તો અમે નિરાશ થઈ ગયા.મારા મિત્રએ મને કીધું “આજે અહિયાં નહોતું બેસવાનું”

મે પણ તેની સામે જોઈને હસીને કહ્યું “હા, સાચી વાત છે.” 

તો વાત કઇંક એમ હતી કે અમારા ક્લાસમાં એક છોકરી હતી. જેની આગળ કોઈ બેસવાની હિંમત નહોતું કરતું કારણકે તે લખતી હોય ત્યારે તે પૂરી બેન્ચ હલાવતી હોય તેમ લખતી. ખબર નહીં તે ને કદાચ સીધી રીતે બેસીને લખતા નહીં આવડતું હોય કે પછી તે તેવું જાતે કરીને કરતી તે તો રામ જાણે.પણ અમે બંને એ તો  જાણી ગયા હતા કે આજે આપણો એક દુર્ભાગ્ય પૂર્ણ દિવસ છે. 

આશરે અડધી કલાક અમે બંને એ સહન કર્યું પણ પછી સાગરને બેન્ચીસ પીઠ પર વાગતા તેણે જોરથી તે છોકરી ને કહ્યું “તને લખતા આવળે છે ગવાર?”

મને લાગતું હતું કે તે તેને ધીમેકથી કહેશે પણ તેણે જોરથી કીધું તેટલી જોરથી કે તે પહેલી બેન્ચ પાસે ઉભેલા અમારા સરના આસિસ્ટન્ટ ને સંભળાયું.આ સાંભળીને તે સીધો અમારી પાસે આવી ગયો અને સાગર અને મને પૂછવા લાગ્યો. 

“શું પ્રોબ્લેમ છે ભાઈ?” તે મોં બનાવીને કહી રહ્યો હતો. 

સાગરે સમસ્યા જણાવી.તેણે કહયું કે અમને આ બેન્ચ ના હલવાથી પ્રોબ્લેમ છે.

તેણે પણ તેવોજ જવાબ આપ્યો કે જાણે આ કઈં પ્રોબ્લેમ જ નથી.આપણાં પ્રોબ્લેમ ઘણીવાર લોકો ના નઝરમાં પ્રોબ્લેમ નથી હોતો કારણકે તેણે તે પ્રોબ્લેમથી પડતું કષ્ટ હજી વેઠ્યું નથી હોતું. 

આસિસ્ટન્ટ એ કહ્યું કે “ભાઈ ૧ કલાક જ બેસવાનું છે એમાંય અડધી કલાક વીતી ગઈ છે બેસી ને ચૂપચાપ લખોને.”

પણ આ વખતે મારો પ્રિય મિત્ર તે વાતને નઝર અંદાજ કરવા અને કરાવવા નહોતો માંગતો. તેણે આસિસ્ટન્ટ ને ત્યાં બેસવાની ના કહી અને અંતે આસિસ્ટન્ટ માની ગયો. તેણે મને પણ પૂછ્યું “તને કોઈ પ્રોબ્લેમ છે?”

હું તો તેના પૂછવાની જ રાહ જોતો હતો. મે પણ હા પાડી અને અમને બંને ને છેલ્લેથી ઊભા કરીને આગળ બેસાડી દીધા. બીજી બેન્ચ પર, તે પણ અલગ અલગ. 

હવે અમને તેવું લાગ્યું કે તેની કરતાં અમે જેમ હતા તેમ બરાબર હતા.એકબીજા માંથી જોઈને લખી તો શકતા હતા.પણ હવે પસ્તાવો કરવાથી કઈં ફાયદો નહોતો થવાનો. મને જે પ્રશ્ન આવડતો હતો તેને મે પાંચેક મિનિટમાં લખી નાખ્યો અને હવે મારી પાસે કરવા જેવુ કઈં હતું નહીં મે આમતેમ જોયું મને તે નહોતી ખબર કે મારી બાજુમાં કોણ છે કારણકે મે હજી ત્યાં જોયુજ નહોતું.જ્યારે મે બધે જોઈ લીધું અને હું હવે ફ્રી હતો ત્યારે મે બાજુમાં જોયું મારી બાજુમાં એક અમારી પહેલાંની બેચ વાળી છોકરી બેઠી હતી.મે તેને પહેલા ક્યારેય નહોતી જોઈ અથવા જોઈ હોય તો પણ મને યાદ નહોતું.તે સુંદર હતી,તેવું હું માનતો હતો પણ જ્યારે પાછળથી મે સાગરને બતાવી તો તેણે કહ્યું કે તે એટલી પણ સારી નથી લાગતી.મે પણ તેને કહ્યું કે તું કોણ તેની સુંદરતાને જજ કરવા વાળો.આ બધી બાદની વાત છે પણ તે વખતે તો તે મને પસંદ આવી ગઈ. મે તેની સાથે વાત કરવાનું વિચાર્યું. પણ શું વાત કરું તે સુજતું નહોતું.પછી પેપર જોઈને યાદ આવ્યું કે મારે તેને પેપર વિષે જ પૂછવું જોઈએ. મે થોડાક સંકોચથી પૂછ્યું “તને આવળે છે?” દુનિયામાં સંકોચથી પૂછવામાં આવેલા સવાલોના જવાબ સંકોચથીજ મળે છે. 

આ સવાલ પૂછ્યા બાદ લાગ્યું કે આ એકદમ મૂર્ખતા ના પ્રદશન કરતો સવાલ છે.કારણકે તેનું પેપર અને મારુ પેપર એકદમ અલગ હતું.જો કે છોકરીઓની બાબતમાં છોકરાઓથી મૂર્ખતા થવી સામાન્ય વાત છે.તેણે માથું હલાવ્યું. તેણે મને હા કહ્યું હતું કે ના તેની ખબર તો મને આજ સુધી નથી પડી.પણ મે માંની લીધું હતું કે તેણે ના કહ્યું હતું.જે વસ્તુ નો યોગ્ય જવાબ આપણને ખબર ના હોય તે વસ્તુઓ આપણે ધારી લઈએ છીએ. 

તે પરીક્ષા પૂરી થઈ બંનેની, મે તેની શિવાય તેને બીજું કઈં પૂછ્યું નહીં.પણ હવે તેના વિષે જાણવાનું મને વધુ મન થયું.મે થોડા દિવસોમાં તેનું નામ જાણી લીધું તેનું નામ આર્યા હતું તે મારી આગળની બેચમાં હતી.તેથી મારે તેને જોવી હોય તો થોડું વહેલું આવવું પડતું.એકાદ બે પરીક્ષામાં હું જાતે કરીને તેની પાસે બેઠો. બાદ મને તેની સાથે વાત કરવાની હિંમત જાગી.પણ  છતાંય હું તેની સાથે બહુ વાત નહોતો કરી શકતો.જોવા જઈએ તો આ બાબતમાં હું બહુ શરમાળ સ્વભાવનો હતો અને આની પહેલા મને આમજ કોઈ અજાણી  છોકરી જોઈ તેની પ્રત્યે આકર્ષણ નહોતું થયું અથવા કહી શકાય કે ઓછું થયું હતું. 

એક વખત ટ્યુશન છૂટયા બાદ હું તેની પાછળ ગયો.મે સાગરને કહી દીધું કે હું કઇંક કામથી બીજી તરફ જવું છું. તું મારી રાહ ના જોઈશ.તેને પણ શરૂઆતમાં વિચિત્ર લાગ્યું પણ અંતે માંની ગયો કે મારે ખરેખર કામ હશે.સ્કુલ અથવા ટ્યુશન છૂટી ને ગમતી છોકરીની પાછળ જવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.જો તમને સ્કુલ ટ્યુશનમાં કોઈ છોકરી ગમી હોય અને છૂટયા બાદ તેની પાછળ ના ગયા હોય તો તમે ખાક પ્રેમ કર્યો કહેવાય. હું તેના ઘર સુધી તેની પાછળ પાછળ ગયો મે પહેલી વાર તેનું ઘર જોયું.આ એકવાર ગયા પછી તો હું રોજ તેની પાછળ જવા લાગ્યો મને પણ ખૂબ મજા આવતી હતી કારણકે 

આવી રીતે છોકરીની પાછળ જવું અને તેને પ્રપોઝ કરવું તેવું મે એકાદ ફિલ્મમાં જોયું હતું અને બાદમાં તે છોકરી અને છોકરો બંને હમેશાં માટે એક થઈ ગયા હતા. કદાચ આવું ફિલ્મોમાં જ થતું હશે. 

મારે હવે આ પ્રક્રિયા ની આગળ વધવું હતું કારણકે આમ રોજ તેની પાછળ જવું મને દશેક દિવસ સુધી સારું લાગ્યું પણ પછી તો મને તેની આગળ વધવાની તાલાવેલી જાગી. 

હવે આ વાતની જાણ મે સાગરને કરી. તેણે મને આર્યા ને જણાવી દેવા કહ્યું પણ જો તેટલી હિંમત મારા માં હોત તો કદાચ હું દશ દિવસ તેની પાછળ ગયો જ ના હોત.આ વાત મે બહુ પહેલાજ ક્લિયર કરી દીધી હોત.પ્રેમમાં બંને તરફથી વાતો ક્લિયર કરવી બહુ જરૂરી છે તેટલીજ જરૂરી જેટલું પ્રેમ કરવું જરૂરી છે. 

મારા મિત્ર એ મને એકાદ બે સારા એવા નુસ્ખા કહ્યા પણ મે તેને રહેવા જ દીધા કારણકે તેમાં પણ થોડુંક સાહસ માંગી લેતું હતું. 

આ શિવાય હું મારી રીતે પણ વિચારતો હતો કે હું કઇંક જાતે પ્રયાસ કરું.તો તે દિવસે મે એક ચિઠ્ઠીમાં મારો મોબાઈલ નંબર લખી દીધો અને મે જેમ વિચાર્યું હતું તેમ તેના ઘરે જવાનાં રસ્તામાં જ હું તેને તે ચિઠ્ઠી દઈ દેત, પણ હું રસ્તામાં છેક સુધી હિંમત કરતો રહ્યો કે આજ સમય છે હું તેને ચિઠ્ઠી દઈ દઉં પણ તેવું બન્યું જ  નહીં. એક સમયે તો હું તેની પાસે પહોંચી ગયો હતો પણ થોડા સમયમાં મારુ મન બદલાઈ ગયું.

હું ઘરે જઈને વિચારતો હતો કે શું આટલી બધી વખત તેની પાછળ ગયા બાદ તે જાણી ગઈ હશે કે હું તેને કઇંક કહેવા માંગુ છું અથવા હું તેને પ્રેમ કરું છું.જો કે આવું તો મને બહુ પહેલા પણ થતું હતું પણ ત્યારે મે આ વાત ને નઝર અંદાઝ કરી હતી.જેમ મે કહ્યું તેમ પ્રેમમાં બધી વાતો ક્લિયર કરવી ખૂબ જરૂરી છે. 

તો આનો જવાબ મને તેના બીજા દિવસે મળ્યો. દિવસ સામાન્ય હતો જેમ રોજ હોય છે આજે પણ ઘરેથી ટ્યુશનમાં આવતા તેટલોજ સમય લાગયો હતો જેટલો મને પહેલા લાગતો હતો.હું હોંશે હોંશે ટ્યુશનમાં ફોલોપ દેવા બેઠો જેમ રોજ બેસતો હતો.મારી નઝર આર્યાને શોધતી હતી.પણ તે મને ક્યાંય દેખાઈ નહીં.હજી પંદર જ મિનિટ થઈ હતી હું મારુ પેપર લખી રહ્યો હતો ત્યાંજ મને બહારથી કોઈએ કહ્યું કે વિહાર તેને સર બોલાવે છે.હું ડરી ગયો.કારણકે મને એકલાને બોલવામાં આવ્યો હતો.બધાની નઝર મારી તરફ હતી.મે કોઈ ગુનો નહોતો કર્યો પણ મને ટ્યુશનમાં પરીક્ષા આપી રહેલા દરેક લોકોના મોઢા પર હું ગુનેગાર હોય તેવું દેખાતું હતું.હું બહાર ગયો જયાં અમારા સરની ઓફિસ હતી.જોવા જઈએ તો તમે સ્કુલમાં કે ટ્યુશનમાં કેટલા પણ લોકપ્રિય કેમ ના હોવ પણ જો તમને કોઈ સર કે મેડમ દ્વારા ઓફિસમાં એકલા બોલાવવામાં આવ્યા હોય તો તેનો ડર કઇંક અલગ જ હોય છે. 

હું તે સરની સામે ઊભો રહ્યો. તેમણે જાણે કઇંજ બન્યું ના હોય તેમ વાત કરી.તેમણે મને સવાલ પૂછ્યો.

“શું તું ટ્યુશનથી છૂટીને આ છોકરી પાછળ જાય છે?”

તેમણે મને તેનો ફોટો સીસીટીવી કેમેરા માંથી બતાવ્યો. આ તે જ સમય હતો જ્યારે મને પહેલીવાર તે સુંદર નહોતી લાગી રહી.મને ખબર હતું કે હવે જુઠ્ઠું બોલવાથી કઈંજ ફાયદો ના હતો અને હું અમુક બાબતમાં કોઈ દિવસ જુઠ્ઠું બોલતો પણ નહોતો જે બાબતમાં મને લાગતું હતું કે આ વસ્તુ મે ખોટી નથી કરી.જીવનમાં એક સમયે આપણને તેટલી સમજ તો આવી જવી જોઈએ જેથી આપણને ખબર પડે કે આપણે કેટલીક વસ્તુ ખોટી નથી કરી. 

મે તેમને હા કહ્યું અને તેમણે મને કારણ પૂછ્યું. 

મે તેનો એકજ જવાબ આપ્યો જે મારા મતે સાચો જ હતો.જે કદાચ તે પણ જાણતા હતા પણ તે પોતે મારા મોંથી સાંભળવા માંગતા હતા.

“મને તે ગમતી હતી.”

આ મે તેમની સામે કહી દીધું.તેમણે મને કઈં કીધું નહીં પણ મને તેમની સામેની શીટ પર બેસવા કહ્યું.હું પણ ત્યાં બેસી ગયો. 

તેમણે કહ્યું “આજે તેના પપ્પા આવ્યા હતા.તેમણે તેના ટ્યુશનનો સમય બદલાવી નાખ્યો છે અને તેમણે મને કહ્યું છે કે તે છોકરો હવેથી મારી છોકરી પાછળ ના આવવો જોઈએ.”

હું ચૂપ હતો મારા મનમાં અઢળક વિચારો ચાલી રહ્યા હતા. 

તેમણે ફરીથી બોલવાનું શરૂ કર્યું “મને વિશ્વાસ છે કે હવે તું તેની પાછળ ક્યારેય નહીં જાય, બરાબર ને ?”

મે દ્રઢતાથી હા પાડી.જાણે મને ફરી એક વાર પોતાના જૂના રૂપમાં પ્રવેશવાનો મોકો મળ્યો હોય,જાણે મને ફરી એક વાર પોતાને સાબિત કરવાનો મોકો મળ્યો હોય. 

“આ ઉંમર શું કરવાની છે તે તું સારી રીતે જાણે છે હું તને તે રીતેની એકપણ વાત નહીં કહું કે તું ભણવામાં ધ્યાન આપ કે બીજું કઈં પણ હું તને બસ તેટલું જ કહીશ કે જ્યારે તને લાગ્યું કે તે છોકરી તને ગમે છે તેના બીજા કે ત્રીજા દિવસે તેની પાછળ જવાના બદલે તેને એકવાર જણાવી દેવું જોઈએ.જો તેને યોગ્ય લાગે તો ઠીક નહીંતો વાતને ત્યાંથીજ આગળ ના વધવાદેવી જોઈએ.હું જાણું છું કે તારા જીવનમાં તેના પાછળ જવા શિવાય પણ ઘણા કામ હશે.જે તું એક માત્ર સવાલના જવાબ માટે અટકાવી રહ્યો હતો.તું અત્યારે જે ઉંમરમાં છે તે ઉંમરમાં તારું ભણતર તારા માટે પ્રથમ કક્ષાનું કામ છે અને પ્રેમ એ તારી માટે આ સમયમાં ગૌણ બાબત છે.”

મે તેમની દરેક કહેલી વાતો ને સ્વીકારી કીધી.કારણકે તે ઘણા અંશે સાચી હતી.ટ્યુશનથી છૂટીને જ્યારે હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે હું થોડીક શરમ અનુભવતો હતો પણ મે મારા મિત્ર સાગર સાથે તે બાબતે વિસ્તાર પૂર્વક વાત કરી અને હું પૂરા રસ્તે હું સાચો છું અને તે છોકરી ખોટી તેવું મારા મિત્રની સામે સાબિત કરતો હતો.હું ત્યારે કદાચ તે પણ નહોતો જાણતો કે મિત્રતામાં કહેલી વાતો ને સાબિતી ની જરૂર નથી હોતી.સાગરે મારી દરેક વાત સ્વીકારી લીધી 

પણ જ્યારે ઘરે જઈને હું મારા રૂમમાં એકલો બેઠો હતો ત્યારે પણ હું મારી જાત કઇંક કહેવા માંગતો હતો પણ તે મારા મનની અંદર એક સામાન્ય અંશ રૂપે છુપાયેલી હતી હું કોશિષ કરતો કે તે વાત મારા મનની બહાર આવે જેથી મારા મનમાં રહેલા વિચારો નો અંતે આવે.

અંતે જ્યારે હું સુવાની તૈયારી કરતો હતો ત્યારે તે વાત મારા મન માંથી બહાર આવી.મે જે બન્યું હતું તેને ફરી મહેસુસ કરવાની કોશિષ કરી અને પછી કેમેસ્ટ્રીના સરે કહેલી તે વાત યાદ આવી.ખરેખર મારે તેની પાછળ જવાને બદલે તેની સામે મારા મનની લાગણીઓ રજૂ કરી દેવાની જરૂર હતી અને ખોટી તે છોકરી નહીં ખોટો હું જ હતો.મને તેના પ્રત્યે કઇંક લાગણી હતી તે વાત મારા માટે ખોટી નહોતી પણ મે લાગણીને તેની સામે છુપાવી રાખી તે વાત મારા માટે ખોટી હતી.કારણકે પ્રેમમાં વાતો સ્પષ્ટ હોવી જોઈએ. 

લેખક - કુલદીપ સોમપુરા 

ટિપ્પણીઓ